સોમ પ્રદોષ વ્રત


    હિન્દુ પંચાંગ કેલેન્ડર મુજબ, દર મહિનાની બંને પક્ષોમાંની ત્રયોદશી ( તેરસ ) તિથિએ જે વ્રત કરવામાં આવે છે તેને પ્રદોષ વ્રત કહેવાય છે. આ વ્રત મહિનામાં બે વાર આવે છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે. કહેવાય છે કે આ દિવસ વ્રત રાખવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. 

    પ્રદોષ વ્રત કળિયુગમાં અતિ પુણ્યદાયી અને મહાદેવની કૃપા પ્રદાન કરનાર છે. આ વ્રત રાખવાથી દરેક પ્રકારના દોષ અને પાપમાંથી મુક્તિ થાય છે. એટલાં માટે જ તેને પ્રદોષ વ્રત કહેવાય છે. આપણે બે ગાયના દાન કરીએ અને જે પુણ્ય મળે તેના બરાબર સમાન પુણ્ય આ વ્રત કરવાથી મળે છે  શાસ્ત્ર મુજબ આ વ્રત કરવાથી ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પજ કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે કે જેથી સર્વે દુખ દૂર થઈ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 

    આ કારતક મહિનામાં વદ પક્ષમાં જે પ્રદોષ વ્રત આવે છે તે તા. 21 નવેમ્બર 2022, સોમવારે આવે છે. અને એવું કહેવાય છે કે સોમવારે, મંગળવારે અને શનિવારે આવતા પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ હોય છે. સોમવાર ભગવાન શિવનો પ્રિય વાર છે અને પ્રદોષ વ્રત પણ તેમને જ સમર્પિત છે એટલા માટે આ કારતક મહિનાના પ્રદોષ વ્રત આપણા સૌ લકોક માટે ખૂબ જ મહત્વનું છે. આજે ભગવાન શિવની પૂજા કરવાથી અધિક ગણું પુણ્ય ફળ મેળવી શકાશે. 



જુદા-જુદા દિવસે આવતા પ્રદોષ વ્રતનું મહત્વ :

- રવિવારે આવતા પ્રદોષ વ્રતને કરવાથી લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ માનસિક શાંતિની પ્રાપ્તિ અર્થે પણ આ રવિ પ્રદોષ વ્રત કરવામાં આવે છે.

- સોમવારે આવતા પ્રદોષ વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. લાંબાગાળા સુધી જો કોઈ બીમાર રહેતું હોય તો સોમ પ્રદોષ વ્રતના ફળથી તે દૂર થાય છે અને સાથે તમામ સુખોની પણ પ્રાપ્તિ કરી શકાય છે.

- મંગળવારે આવતા પ્રદોષ વ્રતને કરવાથી મૃત્યુ સમાન પીડા સહન કરતી વ્યક્તિ તરત સ્વસ્થ થઈ જાય છે. તેમજ કર્જમાંથી જલ્દી છુટકારો મળે છે અને આર્થિક સંકટોમાંથી મુક્તિ મળે છે.


- બુધવારે આવતા પ્રદોષ વ્રતને ધારણ કરવાથી તે વ્યક્તિને બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી આ વ્રત વિધાર્થીઓએ ખાસ કરવું જોઈએ.

- ગુરુવારના દિવસે આવતા પ્રદોષ વ્રતને જો કરવામાં આવે તો દુશ્મનથી મુક્તિ મળે છે તેમજ પરિવાર અને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધે છે.

- શુક્રવારે કરવામાં આવતા પ્રદોષ વ્રતથી સુખ સૌભાગ્યમાં વધારો થાય છે. તેમજ જો આ વ્રતને પતિ-પત્ની સાથે મળીને કરે તો તેનું લગ્ન જીવન સુખી અને સરળ રહે છે અને કલેશ કંકાશ દૂર થાય છે.

- શનિવારે આવતા પ્રદોષનું વ્રત કરવાથી તરત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ જાય છે. તેથી જે દંપતિને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તે બંનેએ આ વ્રત કરવું જોઈએ. 

આવો હવે આપણે આ વ્રતની વિધિ જાણીએ.



પ્રદોષ વ્રત વિધિ :

  • આજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને ભગવાન સમક્ષ બેસી વ્રતનો સંકલ કરવાનો.
  • આ વ્રતમાં સાંજે પ્રદોષ કાળમાં મુખ્ય પૂજા કરવામાં આવે છે. તો પૂજા કરતાં પહેલા સ્નાન કરી શુદ્ધ સફેદ રંગના વસ્ત્રો પહેરવાના. 
  • ત્યારપછી પૂજા સ્થાન સ્વચ્છ કરી ભગવાન શિવ સાથે માતા પાર્વતીની સ્થાપન કરવાની.
  • શિવલિંગને શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી અભિષેક કરવો અને બીલીપત્ર અર્પણ કરવા. 
  • હવે ૐ નમઃ શિવાય કે મૃત્યુંજય મંત્રનો જાપ કરતાંની સાથે શિવની પૂજા કરો. તેમણે ફળ ફૂલ, ધતૂરો, બિલી, મીઠાઇ અર્પણ કરો. ધૂપ દીપ કરો. 
  • માતા પર્વતીને કંકુનો ચાંદલો કરવો અને ફૂલ અર્પણ કરવા. 
  • ત્યારબાદ શિવ પાર્વતીની આરતી કરવાની અને ત્યાં બેસીને આ વ્રત મહિમા અને વ્રતકથા સાંભળવાની અથવા વાંચવાની. 
  • આજે શિવ મંદિરે દર્શનાર્થે જવું જોઈએ અને ત્યાં બેસીને ભગવાન શિવના કોઈ પણ પાઠ કરવાના એટલે કે શિવ 108 નામ, રુદ્રાષ્ટકમ, શિવ મહિમા સ્તોત્ર, શિવ બાવની, શિવ કવચ, શિવ રક્ષા સ્તોત્ર ના પાઠ કરવાના. મૃત્યુંજય મંત્રનો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. 
  • આવો હવે આપણે આ વ્રતની કથા જાણીએ.

સોમ પ્રદોષ વ્રતકથા :

    આ કથા ચંદ્રમાને ક્ષય નામના રોગમાંથી મુક્તિ કેવી રીતે મળી હતી તેની કથા છે. તેથી ચંદ્રદેવના એક નામ પરથી મહાદેવનું નામ સોમેશ્વર પડ્યું હતું. બોલો સોમેશ્વર મહાદેવની જય. 


    એક વખત રાજા દક્ષે પોતાની 27 પુત્રીઓને ચંદ્રમાને આપી તેમની સાથે વિવાહ કરાવ્યા. ત્યારે એ 27 પુત્રીઓમાં રોહિણી નામની પુત્રી પર ચંદ્ર દેવ વધારે મોહિત થાય છે. અને તેને વધારે મહત્વ પણ આપવા લાગ્યા. 

    ત્યારે અન્ય 26 પુત્રીઑને લાગ્યું કે ચંદ્રદેવ આપણી અવગણના કરે છે. ત્યારે તેઓએ દુખી થઈને પિતાને ત્યાં જતી રહી. અને દક્ષરાજાને પોતાની મનોવેદના કહી. પુત્રીની આ વાત સાંભળી દક્ષરાજાને ઘણું દુખ થાય છે. 

    પરંતુ મન શાંત કરીને ચંદ્રદેવ પાસે આવે છે અને તેમને પ્રેમપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચંદ્રદેવ પર તેની કોઈ અસર થઈ નહિ. તેથી દક્ષરાજાએ ચંદ્રમાને શ્રાપ આપ્યો અને કહ્યું કે, હે ચંદ્ર ! તે મારી 26 પુત્રીઓની અવગણના કરી છે. અને એટલું જ નહિ તે મારી શિખામણને પણ અવગણના કરી છે. તેથી તને ક્ષય રોગ થશે. 

    ત્યારપછી આ શ્રાપના લીધે ચંદ્રમા દુખી થઈ જાય છે. અને તેમને થોડા દિવસ માં ક્ષય રોગ થાય છે અને ચંદ્રમા પોતાની તેજ ગુમાવી દીધું.તેમની જે કાંતિ હતી, જે દિપ્તી હતી તે હવે ઓછી થઈ ગઈ. એટલે બધી જગ્યાએ હાહાકાર મચી જાય છે. 

    આ જોઈને સર્વે મુનિઓ પણ હેરાન પરેશાન થઈ ગયા. ગ્રહમંડળમાં પણ ઉથલ પુથલ મચી ગઈ. ત્યારે બ્રહ્માજીએ સર્વે ઋષિઓને અને દેવતાઓને કહ્યું કે ચંદ્રમા જો પ્રભાસ નામના સમુદ્ર કિનારે જઈને ત્યાં શિવલિંગની સ્થાપના કરીને મહાદેવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરે તો તે આ ક્ષય નામના અસાધ્ય રોગથી મુક્તિ પામશે. 

    પરમપિતા બ્રહ્માજીના કહેવાથી ચંદ્રદેવ પ્રભાસ તીર્થ ગયા અને ત્યાં એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી. મૃત્યુંજય મંત્રના જાઓ કરવા લાગ્યા. શિવની પૂજા અને કઠોર સ્તુતિ તપ કર્યા. ચંદ્રમાને આવી રીતે સાધન કરતાં ઘણો સમય થઈ ગયો. અને જ્યારે પ્રદોષ કાળ આવ્યો અને ત્યારે મહાદેવજી પ્રસન્ન થાય છે. અને ચંદ્રમાની ભક્તિથી ખુશ થઈને તેને વરદાન માંગવા કહે છે.

    ત્યારે ચંદ્રદેવ કહે છે કે, હે દેવાધીદેવ ! હે ભોળાનાથ ! આપનાથી શું અજાણ્યું છે, આપ તો બધુ જ જાણો છો. કૃપા કરી મારા પર દયા કરો અને મારા અપરાધ ક્ષમા કરી મને આ ક્ષય રોગમાંથી મુક્તિ આપો. ત્યારે શિવજી કહે છે કે, હે ચંદ્ર ! તારી કળાઓ એક ક્ષણમાં ક્ષીણ થશે. અને બીજા પક્ષમાં પુનઃ તેનો વિસ્તાર થશે. અને તારો ક્ષય રોગ મટી જશે. આટલું કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. અને ચંદ્રદેવે જયા આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી ત્યાં ભગવાન શિવ સાકાર થયા અને સોમેશ્વર નામે ઓળખાયા. 

    આમ પાપોનો ક્ષય કરનાર પરમકૃપાળુ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ચંદ્રદેવે જે પ્રદોષકાળમાં મહાદેવને પ્રસન્ન કરવા જે વ્રત ઉપવાસ કર્યા તેને પણ ફળ્યા. 

------------

મિત્રો આ લેખમાં આપણે સોમ પ્રદોષ વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ, ફળપ્રાપ્તિ તેમજ વ્રત કથા જાણી. તો આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના મિત્રોને પણ મોકલજો અને અમારી YouTube માં ચેનલ છે કે જેમાં અમે દરરોજ અવનવી ધાર્મિક માહિતી, Live પૂજા વિધિ, વ્રતકથાના વિડીયો મૂકીએ છીએ તો અત્યારે જ અમારી ચેનલને Visit કરો 👉 Bhakti Kirtan sangrah

મહાદેવ હર 🙏