સવારના પહોરમાં સાડલો પહેરી ગઈ પડોશણ ઘેર, અગિયારસ કરવી છે.

બાઈ રે પડોશણ વિનવું કાઈ દેવતા હોય તો આપ, અગિયારસ કરવી છે.

સાત શેરનો શિરો બનાવ્યો, બાફયા બટેકા બપોર, અગિયારસ કરવી છે.

ખાઈ-પીને ખાટલે સુતા, મને ચડ્યો છે તાવ, અગિયારસ કરવી છે.

સાંજ પડીને એ તો ઘેર જ આવ્યા, મને ચડ્યો છે તાવ, અગિયારસ કરવી છે.

ખાવું હોય તો ખાઈ લે જો, મને ચડ્યો છે તાવ, અગિયારસ કરવી છે.

જામનગરથી વૈદ્ય તેડાવો, મને ચડ્યો છે તાવ, અગિયારસ કરવી છે.

જામનગરથી વૈદ્ય જ આવ્યા ને જુએ નાડી ને હાથ, અગિયારસ કરવી છે.

તાવ નથી ને તળિયો નથી, આ છે શીરાનો ભાર, અગિયારસ કરવી છે.

તાવ ગયો, તળિયો ગયો, પડ્યો સોટીનો માર, અગિયારસ કરવી છે.

આવી એકાદશી કદી ન કરતા, નહિ મળે પુણ્યદાન, અગિયારસ કરવી છે.

ઘરને બીજાની, સેવા દાન કરીને કરજો અગિયારસ, અગિયારસ કરવી છે.